ન્યૂઝીલેન્ડમાં ગત સપ્તાહે મસ્જિદમાં આતંકી હુમલાની ઉજવણી કરવા બદલ યુનાઈટેડ આરબ અમિરાતે એક કર્મચારીને નોકરીમાં કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં પરંતુ કંપનીએ આ કર્મચારીને દેશમાંથી ડીપોર્ટ પણ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના 28 વર્ષના ગોરા ઉગ્રવાદી બ્રેન્ટન ટેરેન્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ગત શુક્રવારે નમાઝ પઢવા આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 50 લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ મંગળવારે સુરક્ષા કંપનીના એક કર્મીએ હુમલાની ઉજવણી કરતી ભડકાઉ ટિપ્પણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર કરી હતી.
‘અમારી સંસ્થામાં સોશયલ મીડિયાના દુરૂરપયોગ માટે ઝીરો ટોલરન્સ પોલિસી છે, જેના પરિણામ સ્વરૂપે આ શખ્સની તાત્કાલિક છટણી કરી દેવામાં આવી હતી,’ તેમ કંપનીના એમડી ગ્રેગ વોર્ડે જણાવ્યું હતું.
યુએઈ સરકારે આ શખ્સને ડીપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી. આ શખ્સ ટ્રાન્સગાર્ડ કંપનીમાં ફરજ બજાવતો હતો. ટ્રાન્સગાર્ડ એમિરાત ગ્રૂપની બ્રાન્ડ છે. જો કે કર્મચારીએ શું ટિપ્પણી કરી હતી તે જાહેર કરાયું નથી. આ ઉપરાંત વ્યક્તિનું નામ, રાષ્ટ્રીયતા અને હોદ્દા વિશે પણ કંપનીએ કોઈ માહિતી આપી નહતી.
યુએઈ સરકારે ન્યૂઝીલેન્ડ હુમલાને વખોડ્યો હતો અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.