સળંગ ત્રીજા વર્ષે વિરાટ કોહલી વિઝડન ક્રિકેટર ઓફ ધ યર

ખેલ-જગત
ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા વિઝડન ક્રિકેટર્સ એમલમેનાકમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ વર્ષ માટેના શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાયા છે. આમ ભારત માટે આ બેવડી સિદ્ધિ છે. ડિસેમ્બરમાં આઈસીસીએ મંધાનાને વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તેમજ વિમેન્સ વન-ડે પ્લેયર ઓફ ધ યરના ટાઈટલથી નવાજી હતી. આ ઉપરાંત કેપ્ટન કોહલીને ક્રિકેટ ઓફ ધ યર અને આઈસીસીના શ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે બેટ્સમેનનો એવોર્ડ એનાયત કરાયો હતો.
કોહલીએ સળંગ ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનું ટાઈટલ મેળવ્યું છે. 2018માં કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને 2,735 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે ઈંગ્લેન્ડની ટેમી બ્યૂમોન્ટ, જોઝ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટર કોહલી ત્રણ વખત એવોર્ડ જીતના ત્રીજો ક્રિકેટર બની ગયો છે. અગાઉ સર ડોન બ્રેડમેન (10 વખત) અને જેક હોબ્સ (8 વખત)એ આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 59.30ની એવરેજ સાથે 593 રન ફટકાર્યા હતા. વર્ષ દરમિયાન કોહલીએ પાંચ સદી ફટકારી હતી.
દરમિયાન મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ગયા વર્ષમાં વન-ડે તેમજ T20માં અનુક્રમે 669 અને 662 રન ફટકાર્યા હતા. વિમેન્સ સુપર લીગમાં મંધાનાએ 174.68ના સ્ટ્રાઈક રેટથી 421 રન કર્યા હતા. મંધાનાએ ગયા વર્ષના પ્રદર્શનના આધારે વિઝડન ક્રિકેટરનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું.