કુલદીપ ભારતનો હવે મુખ્ય સ્પિનર બન્યો છે: કોચ શાસ્ત્રી

ખેલ-જગત

ભારતની ક્રિકેટ ટીમના વડા કોચ રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવના આ વર્ષે ઑસ્ટ્રેલિયા સામે સિડની ખાતેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટના બૉલિંગ પ્રદર્શનને દર્શાવતા આગ્રહપૂર્વક કહ્યું હતું કે વિદેશની ભૂમિ પર પીઢ રવિચંદ્રન અશ્ર્વિનથી તે વધુ આગળ પડતો સ્પિનર છે. શાસ્ત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ટેસ્ટ ક્રિકેટમાં રિસ્ટ સ્પિનરો વધુ પ્રચલિત બનશે અને કુલદીપ રાષ્ટ્રના અવ્વલ ક્રમના સ્પિન બૉલર તરીકે અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજાથી આગળ રહે છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે કુલદીપ ભારતની ટીમનો વિદેશમાં હવે મુખ્ય સ્પિનર બની ચૂક્યો છે અને ભવિષ્યમાં ટીમમાં ફક્ત એક સ્પિનરનો સમાવેશ કરી શકાતા કુલદીપની પસંદગી કરાશે. કુલદીપે વરસાદના અવરોધભરી સિડની ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ઑસ્ટ્રેલિયાના ઘણાખરા બેટ્સમેન તેની બૉલિંગને પારખી શક્યા ન હતા.