શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા ખાતેના આગામી પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાંથી કેપ્ટન દિનેશ ચાંદીમલને પડતો મૂક્યો છે. શ્રીલંકાના સિલેક્ટરોએ ચાંદીમલને પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરવાને રાષ્ટ્રીય. સર્કિટની ક્રિકેટમાં રમવાનું સૂચવ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બૉર્ડે જણાવ્યું હતું કે ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુનારત્નેને 17-સભ્યની ટીમના કામચલાઉ સુકાની તરીકે નીમવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં 13મી ફેબ્રુઆરીથી બે ટેસ્ટની ક્રિકેટ શ્રેણી રમનાર છે. પ્રવાસે જનારી ટીમમાં બેટ્સમેન ઓશાડા ફર્નાન્ડો, સીમર મોહમદ શિરાઝ અને ડાબોડી સ્પિનર લાસિત એમ્બુલડેનિયા મળી, ત્રણ નવોદિત ખેલાડીનો સમાવેશ કરાયો છે. ઓલ-રાઉન્ડર મિલિન્ડા સિરીવર્દનાને લગભગ ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે. ટેસ્ટ મેચો ડર્બન (13મી ફેબ્રુઆરીથી) અને પોર્ટ એલિઝાબેથ (21મી ફેબ્રુઆરીથી) રમાનાર છે.

