રિલાયન્સ કોમ્યું.માં વધુ 28 ટકાનો કડાકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રિલાયન્સ કોમ્યુનિકેશમાં સતત બીજા સત્રમાં પણ વેચવાલીનો દોર ચાલુ રહેતા તે વધુ 28 ટકાનો કડાકો નોંધાયો હતો. મંગળવારે આરકોમ 27.95 ટકાના કડાકા સાથે અંતે રૂ. 5.44ની સપાટીએ સ્થિર થયો હતો. આ સત્રમાં પણ ગુપની અન્ય કંપનીઓના શેરમાં ઘટાડો આગળ વધ્યો હતો. એ નોંધવું રહ્યું કે, સોમવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના શેર્સમાં 48 ટકાનું ગાબડું પડ્યું હતું જ્યારે ગ્રુપની અન્ય કંપનીઓના શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. લેણદારોનું દેવું ચૂક્તે કરવામાં મિલ્કતો વેચવામાં નિષ્ફળ રહેલી આરકોમએ ઈન્સોલ્વન્સી પ્રોસિડિંગ હાથ ધરવાનો નિર્ણય કરતાં કંપનીના શેરમાં સોમવારે કડાકો બોલ્યો હતો અને કંપનીના શેર 48 ટકા નીચી સપાટીએ પટકાયો હતો અને અંતે 34.91 ટકાનો અંતિમ કડાકો નોંધાવી રૂ. 7.55ના સ્તરે સ્થિર થયો હતો. આરકોમના બોર્ડે ઓફ ડિરેક્ટર્સે એનસીએલટી ફ્રેમવર્ક અંતર્ગત ડેટ રિઝોલ્યુશન પ્લાનનો અમલ કરવાનો નિર્ણય કર્યો હોવાનું કંપનીએ શેરબજારને શુક્રવારે પાઠવેલી સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.