ડૉલરની સામે રૂપિયામાં પણ બે મહિનાનો સૌથી મોટો ઊછાળો, વધુ 49 પૈસા મજબૂત

Uncategorized

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના અનુમાન પછી સોમવારે દેશના શેરબજારો અને ડોલરના મુકાબલે રૂપિયાની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. મુંબઇ શેરબજારના સેન્સેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો 1421.90 પોઇન્ટ (3.75 ટકા)નો સુધારો નોંધાવ્યો છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ એક જ દિવસમાં વિક્રમી રૂ. 5.24 લાખ કરોડની જંગી વૃધ્ધિ થઇ છે.

રવિવારે એક્ઝિટ પોલ જાહેર થયા તેની હકારાત્મક અસર એટલી તીવ્ર હતી કે, સેન્સેક્સ 870 પોઇન્ટના ઉછાળા સાથે 38701 પોઇન્ટના મથાળે ખુલી ઉપરમાં 1482 પોઇન્ટના જમ્પ સાથે 39413 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો અને છેલ્લે 1421.90 પોઇન્ટની વૃદ્ધિ સાથે 39352.67 પોઇન્ટ બંધ રહ્યો હતો. તેજ રીતે નિફ્ટી-50 પણ 421.10 પોઇન્ટ સુધરી 11828.25 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ તેની 39353 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 134 પોઇન્ટ અને નિફ્ટી પણ 11856 પોઇન્ટની સર્વોચ્ચથી માત્ર 28 પોઇન્ટ છેટો રહ્યો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષો દ્રારા ગૌતમ અદાણી અને અનિલ ધીરુભાઇ અંબાણી જૂથ સામેના અંગૂલી નિર્દેશનો જવાબ આજે જાણે એક જ દિવસમાં મળી ગયો હોય તેમ અદાણી જૂથના 6 શેર્સમાં સરેરાશ 14.5 ટકા વૃદ્ધિ જોવાઇ હતી. જ્યારે અનીલ અંબાણી જૂથના 7 શેર્સમાં સરેરાશ 8.4 ટકા વૃદ્ધિ જોવાઇ હતી. અદાણી જૂથનું માર્કેટકેપ આશરે રૂ. 17400 કરોડ વધી આશરે રૂ. 1.63 લાખ કરોડે પહોંચ્યું હતું. જ્યારે અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથનું માર્કેટકેપ આશરે 1500 કરોડ વધી આશરે રૂ. 22971 કરોડે પહોંચ્યું હતું.

લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં મંદીના વાવડ મજબૂત બન્યા છે. ગત સપ્તાહે પાકિસ્તાન શેર માર્કેટમાં 2.4 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો તેમજ પાકિસ્તાન કરન્સીમાં પણ ઐતિહાસીક ઘટાડો નોંધાવ્યો છે. ગતસપ્તાહના અંતે કરાંચી સ્ટોક એક્સચેન્જમાં 805 પોઇન્ટ તૂટી 33166 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોના 1000 કરોડ ડૂબ્યા હતા. જોકે, આજે ખુલતામાં નજીવો વધી 33250 રહ્યો છે. ડોલર સામે પાકિસ્તાની ચલણ 151ના ઐતિહાસીક તળિયે પહોંચ્યો છે.