ગાંધીનગર ભાજપ કમલમ્ ખાતેથી ભારત કે મન કી બાત મોદી કે સાથ રથનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત લોકસભાની 26 સીટ પર ભાજપના 26 રથ ફરશે. ભારત મનકી બાત મોદી કે સાથ નામના અભિયાન હેઠળના પ્રચાર રથોના પ્રસ્થાન ટાણે મુખ્ય પ્રધાન રૂપાણી ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠકો પર ફરનારા આ રથમાં સૂચનપેટી તેમ જ ટેબલેટના માધ્યમથી લોકો પોતાના મંતવ્યો આપી શકશે. તમામ સૂચનના આધારે આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ મેનિફેસ્ટો તૈયાર કરશે. મુખ્ય પ્રધાન રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રજા ભવિષ્યમાં કયા પ્રકારના બદલાવ ઇચ્છે છે તે માટેના સૂચનો મેળવી તેના આધારે સંકલ્પ પત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકોમાં રથ મોકલવામાં આવશે.

