પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી ત્યારે મમતા બેનરજીની સરકાર સામે વિરોધ કરવા માટે આજે કોલકાતામાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસ હેડક્વાર્ટર તરફ વધી રહેલા ભાજપના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા.એ પછી વોટર કેનોનનો પણ ઉપયોગ કરાયો હતો.લોકસભા ચૂંટણી પછી ભાજપ અને ટીએમસી વચ્ચેની હિંસક અથડામણો અટકી રહી નથી.
દરમિયાન માલદામાં વધુ એક ભાજપ કાર્યકરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હોવાથી તનાવ વધી ગયો છે.ભાજપના કાર્યકરોના આ ઘટના બાદ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓ આજે રસ્તા પર ઉતર્યા હતા. આ પહેલા ભાજપના એક કાર્યકરની હત્યા કરીને તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાયો હતો.અન્ય એક આરએસએસ કાર્યકરની પણ હાવડા જિલ્લામાં હત્યા કરાઈ હતી.જેમાં તૃણમુલ કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો.

