પશ્ચિમ બંગાળના ભાતપરામાં હિંસામાં બેના મોત : તંગદિલી વધતાં કરફ્યૂ લાગુ

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અવાર નવાર ઘર્ષણ સામે આવી રહ્યું છે. હાલ હિંસા વધી રહી હોવાને પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ તંગદીલ બની રહી છે.

પશ્ચિમ બંગાળના ભાતપરામાં હાલ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અહીં બે લોકોના મોત નિપજ્યા બાદ પરિસ્થિતિ વધુ તંગદીલ બની રહી છે. ભાજપ અને ટીએમસી બન્ને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ગૃહ સચિવ આલાપન બંદોપાધ્યાયએ જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો સક્રીય થઇ ગયા છે.આ હિંસા માટે ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો જ્યારે ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ તૃણમુલ કોંગ્રેસ સરકારને આ હિંસા માટે જવાબદાર ઠેરવી હતી.

તેમણે દાવો કર્યો હતો કે મને એવી માહિતી મળી છે કે પોલીસના ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે. જ્યારે ગૃહ સચીવ આલાપન બંદોપાધ્યાએ જણાવ્યું હતું કે હાલ જે હિંસા આ વિસ્તારમાં થઇ છે તેની સરકારે ગંભીર નોંધ લીધી છે. એવા પણ અહેવાલો છે કે કેટલાક વિસ્તારોમાં નાના બોમ્બ બ્લાસ્ટ પણ થયા છે. જે વિસ્તારમાં હિંસા થઇ ત્યાં સામસામે બન્ને તરફથી હવામાં ગોળીબાર પણ થયો હતો.

બીજી તરફ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા હોવાના આરોપો સાથે કોંગ્રેસે કોલકાતામાં રેલીનું આયોજન કર્યું હતું. બીજી તરફ મમતા બેનરજીએ એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને સ્થિતિ પર કાબુ મેળવવાનો આદેશ આપ્યો હતો. પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હતો. હાલ પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે ૧૪૪ લાગુ કરી દીધી છે.

ભાજપ એવા દાવા કરી રહી છે કે પોલીસના ગોળીબારમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે એક અહેવાલમાં દાવો કરાઇ રહ્યો છે કે સામસામે થયેલી હિંસાને પગલે એકબીજા પર પ્રહાર કરવાથી આ મોત નિપજ્યા છે. હાલ સમગ્ર મામલાને કાબુમાં લેવા માટે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

હાલ ટોચના પોલીસ અધિકારીઓને હિંસાગ્રસ્ત ભાતપરામાં મોકલવામાં આવ્યા છે. અહીં સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો જારી છે. જોકે બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાથી પરિવારજનો અને તેના સમર્થકોમાં ભારે ગુસ્સો છે. જેને પગલે અહીં લાંબા સમય સુધી કર્ફ્યુ લાગુ કરવામા આવી શકે છે.