હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પર થયેલી ચર્ચાના ભાગરુપે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનના વિવાદાસ્પદ ટિપ્પણીઓ વડાપ્રધાને જવાબ આપતા, કેટલાક લોકો આરોપ મુકી રહ્યા છે કે, અમે લોકોને જેલ કેમ નથી મોકલી રહ્યા? દેશમાં હાલ કોઇ ઇમરજન્સી લાગૂ નથી કરાઇ કે કોઇને પણ જેલભેગા કરવામાં આવે. કાયદાકીય કાર્યવાહી તેની ડગર પર છે અને જે લોકોને જામીન મળી રહ્યા છે તેઓ મોજ કરે.
પીએમ મોદીએ જણાવ્યું કે, 70 વર્ષથી ચાલી રહેલી પરંપરાને બદલવામાં સમય લાગે છે. આપણે દેશને આગળ લઇ જવાના લક્ષ્ય પર રહેવું જોઇએ. તેમણે ઉમેર્યું કે, હું ચૂંટણીને હાર-જીત સાથે નથી સરખાવતો. વર્ષો પછી દેશવાસીઓએ મજબૂત બહુમત આપીને કોઇ સરકારને ફરીવાર સત્તા સોંપી છે.
પોતાના ભાષણમાં પીએમ મોદીએ ઇમરજન્સીનું વર્ણન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. 25 જૂનની તારીખ સાથે ઇમરજન્સીને જોડતા તેમણે જણાવ્યું કે, આ જ તારીખે દેશની આત્માને કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી કોણે લાગૂ કરી હતી. દેશવાસીઓ એ કાળા દિવસને ભૂલશે નહી. તેમણે સત્તા માટે દેશને જેલખાનામાં ફેરવ્યું હતું. આ સિવાય તેમણે સદનમાં પહેલી વાર આવી સંબોધન કરનાર સાંસદોનું સ્વાગત કરતા અભિવાદન કર્યું હતું.