વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ ઉપરાંત તામિલનાડુમાં પણ જનસભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષ ગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે મોદીની લોકપ્રિયતા ઘટી ગઇ છે અને કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. મોદીએ આ અંગે વળતો જવાબ આપતા સામે એક સવાલ કર્યો હતો કે જો ખરેખર મોદીની લોકપ્રિયતા ઘટી ગઇ હોય અને મોદી સરકાર નિષ્ફળ રહી હોય તો વિપક્ષે મોદીને હરાવવા માટે ગઠબંધન કેમ કરવું પડી રહ્યું છે. પી. ચિદમ્બરમ પર પ્રહારો કરતા મોદીએ ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે તામિલનાડુમાં એક વ્યક્તિ એવી છે કે જે પોતાને વિશ્વમાં સૌથી હોશિયાર માને છે. ગઠબંધનને ધનવાનોની ક્લબ ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે ધનવાનો પોતાની સત્તા મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

