ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.
40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર ‘પ્રથમ’ રહ્યાં હતાં.
25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.
તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું.
ટ્વિટર પર સક્રીય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતાં હતાં.
સુપ્રીમ કોર્ટનાં પૂર્વ વકીલ એવાં સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરીયાણના અંબાલા કૅન્ટમાં થયો હતો.
તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું.
રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાત થયા બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયાં અને એ સાથે જ તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ.
1975માં તેમણે સુપ્રીમ કોર્ટના ક્રિમિનલ લૉયર સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યાં. સ્વરાજ કૌશલ 1990માં દેશના સૌથી નાની ઉંમરના રાજ્યપાલ બન્યા હતા.

