JK: સૌથી મોટો આતંકી હુમલો, 44 જવાન શહીદ

દેશ-વિદેશ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે 350 કિલો વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારને સૈન્યની બસ સાથે અથડાવ્યા બાદ થયેલા વિસ્ફોટમાં બસમાં સવાર સીઆરપીએફના 44માંથી ઘટનાસ્થળે અને હૉસ્પિટલમાં મળીને 42 જવાન શહીદ થયા હતા અને બચેલા બે જણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે છુપાયેલા ત્રાસવાદીઓએ કરેલા ગોળીબાર અને વિસ્ફોટને કારણે અન્ય 40 જેટલા જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાને ઉરીથી વધુ મોટો અને તાજેતરના કાળમાં થયેલો સૌથી મોટો હુમલો ગણાવાઇ રહ્યો છે. ત્રાસવાદીઓએ 70 વાહનોના લશ્કરી કાફલાને ટારગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ કાફલો જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહ્યો હતો અને એમાં અંદાજે 2500થી વધુ જવાનો પ્રવાસ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે અંદાજે ત્રણ વાગ્યે એક કાર અચાનક ઝડપથી આવીને સૈન્યના કાફલાની એક બસ સાથે અથડાઇ હતી અને ત્યાર બાદ મોટો ધડાકો થયો હતો. આ ધડાકામાં એક બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અન્ય બે બસને આંશિક નુકસાન થયું હતું. પોલીસે આત્મઘાતી ત્રાસવાદી બૉમ્બરને પુલવામા જિલ્લાના કાકપોરા ગામના રહેવાસી આદિલ અહમદ ડાર તરીકે ઓળખી કાઢયો હતો. ગયા વર્ષે એ ત્રાસવાદી જૂથ જૈસ-એ-મોહંમદમાં જોડાયો હતો. વિસ્ફોટમાં એનું પણ મોત થયું હતું. ત્રાસવાદી જૂથ જૈસ-એ-મોહંમદે આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે એમના આત્મઘાતી બૉમ્બર આદિલે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો ભરેલી કારને બસ સાથે અથડાવીને વિસ્ફોટ કર્યો હતો. એમણે આદિલની તસવીર પણ જાહેર કરી હતી. વિસ્ફોટ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અવંતીપોરા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. વિસ્ફોટને લીધે અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તુરંત જ હૉસ્પિટલ લઇ જવાયા હતા, પણ ત્યાં પહોંચવા અગાઉ જ અનેક જવાનોએ દેહ છોડયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના ભુક્કા બોલી ગયા હતા. હુમલા બાદ દક્ષિણ કાશ્મીરના પુલવામા, શોપિયાં, કુલગામ, શ્રીનગર સહિત અનેક વિસ્તારમાં સુરક્ષા દળોએ હાઇ ઍલર્ટ જાહેર કર્યું હતું.