ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરથી ચીનથી આયાત થતા માલસામાન પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. જો આમ થયું દુનિયાભરમાં આગામી ત્રણ ક્વાર્ટરમાં જ મંદી આવી જશે.બીજી તરફ આઇએમએફે ચીનના વિકાસ દરને ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે. ટ્રમ્પે આરંભેલા ટ્રેડ વૉરના કારણે ચીનનો વિકાસ દર ભારે ઝડપથી નીચે જઇ રહ્યો છે. પરંતુ જો ભારત સાવચેતીના પગલાં નહીં લે તો બંને વચ્ચેની લડાઇમાં તેનો પણ ખો નીકળી શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની અસર સમગ્ર દુનિયામાં થઇ રહી છે.અને ભારત પણ તેમાંથી બાકાત નથી.ઓટોમોબાઇલ ઉપરાંત રોજબરોજની ચીજવસ્તુઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.મતલબ કે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદવાનું ટાળી રહ્યાં છે. વેચાણના આંકડા તો ઘટી રહ્યાં છે તો સાથે બચતના આંકડા પણ નીચે આવી રહ્યાં છે. આનો સીધો અર્થ એ કે લોકોની આવક ઘટી છે અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોને પોતાની બચત સુદ્ધાં ખર્ચવાનો વારો આવી ગયો છે. આ વાતનો પુરાવો એ છે કે દેશમાં બેરોજગારીનો આંકડો છેલ્લા 45 વર્ષની ટોચે છે. ખુદ સરકારે પણ બેરોજગારી ટોચે હોવાનો સ્વીકાર કર્યો છે.

