ભારતને ગ્લોબલ સ્તર પર લઇ જવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 100 લાખ કરોડ ખર્ચવાની જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં સાગરમાલા, ભારતમાલા અને રેલવેસ્ટેશનનું આધુનિકરણ પણ સામેલ છે. અમારી સરકાર પાકી સડક જ નહીં ફોરલેન અને સીક્સ લેન રોડ બનાવશે. પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અંગે મોદીએ કહ્યું કે 130 કરોડ દેશવાસીઓની નાની નાની બાબતોને લઇને આગળ વધીશું તો પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી મુશ્કેલ લાગે છે પરંતુ મુશ્કેલ કામ નહીં કરીએ તો દેશ આગળ કેવી રીતે વધશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્ર દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને દેશવાસીઓને સંબોધન કર્યું છે.
તેમણે બીજા કાર્યકાળના 10 સપ્તાહમાં કરેલા કાર્યો તેમજ આગામી પાંચ વર્ષમાં કરવાના કામોનો પ્લાન બતાવ્યો છે.મોદીએ ત્રણ તલાક અને 370ની કલમ દૂર કરવાની ચર્ચા કરતાં કહ્યું કે જે કામ 70 વર્ષમાં થયું નથી તે અમે 70 કરતાં ઓછા દિવસોમાં કર્યું છે. વડાપ્રધાને જળજીવન મિશનની જાહેરાત કરી છે. તેમણે અર્થવ્યવસ્થા અંગે મોટી વાત કરી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ હેઠળ 90000 કરોડ રૂપિયા આપવાની કામગીરી તેમજ ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે 2014 થી 2019 સુધીના પાંચ વર્ષમાં મને સેવા કરવાનો મોકો આપ્યો છે.
હવેના પાંચ વર્ષ સપનાં પૂરાં કરવાનો સમય છે. ત્રણ તલાકથી મુસ્લિમ યુવતિઓ અને મહિલાઓને સમાન અધિકાર આપ્યો છે. એનડીએ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35એ ની કલમ દૂર કરી તેને વિકાસ કરવાના અધિકાર આપ્યાં છે. તેમણે કહ્યું કે આજે પુરો દેશ કરી રહ્યો છે કે વન નેશન વન કોન્સ્ટીટ્યુશન અમલમાં આવ્યું છે. જીએસટીના માધ્યમથી વન નેશન વન ટેક્સનું સપનું પૂર્ણ થયું છે. વન નેશન વન મોબિલિટી કાર્ડની વ્યવસ્થા થઇ છે અને હવે દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચા શરૂ થઇ છે. મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરતાં કહ્યું કે અમે આગામી દિવસોમાં જળજીવન મિશન લાવી રહ્યાં છીએ. આ માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરશે.
સમગ્ર દેશમાં જળસંચય, જળ સિંચન અને સમુદ્રના પાણીને ઉપયોગમાં લેવા જેવા કાર્યો સાથે મળીને કરવામાં આવશે. ભારતમાં વસતી વિસ્ફોટ થયો હોવાનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે નાનું પરિવાર હશે તો દેશની ભલાઇ થશે. હું માનું છું કે નાનો પરિવાર પણ દેશભક્તિ છે. વસતી નિયંત્રણ માટે સામાજીક જાગૃતતાની જરૂર છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને વિભિન્ન યોજનાઓમાં કામ કરી શકે છે. ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદના કારણે દેશને નુકશાન થયું છે.
ભ્રષ્ટાચારને દૂર કરવાના અમે પ્રયાસો કરી રહ્યાં છીએ. અમને સફળતા પણ મળે છે પરંતુ બિમારી એટલી મોટી છે કે અમારે હજી વધારે પ્રયાસ કરવા પડશે. ભ્રષ્ટાચાર સામેની લડાઇ ચાલુ રાખવી પડશે. બીજીવખત સત્તામાં આવ્યા પછી વિકાસના કામમાં રૂકાવટ કરતાં અધિકારોને કાઢી મૂકવાનું પગલું અમે લીધું છે. એનડીએ સરકારે બિનજરૂરી કાયદાઓને રદ કર્યા છે. પાંચ વર્ષમાં પ્રતિદિન એક કાયદો રદ કર્યો છે. સરકારે 1450 એવા કાયદા રદ કર્યા છે જેની હાલના સમયમાં જરૂરિયાત નથી. મોદીએ કહ્યું કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટીથી અમે હંમેશા ઉંચા નિશાન રાખ્યાં છે જે હવામાં નથી.
70 વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી આપણે પહોંચી શક્યા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષ (2014-2019) માં અમે ઇકોનોમીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડી શક્યા છીએ. આવનારા પાંચ વર્ષ (2019-2024) સુધીમાં દેશની ઇકોનોમી પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું અમારૂં લક્ષ્ય છે. ભારતે એક્સપોર્ટ કરવું પડશે. આપણે દુનિયાના બજારોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. દુનિયાના નાના દેશોમાં જે તાકાત છે તે આપણા એક એક જિલ્લામાં છે. ભારતનો એક એક જિલ્લો એક્સપોર્ટ હબ બની શકે છે. દુનિયાનું બજાર કબજે કરવાની દિશામાં આપણે કામ કરીશું તો યુવાનોને રોજગારી મળશે. મોદીએ કહ્યું કે આતંકવાદ સામે આપણી લડાઇ ચાલુ રહેવાની છે.
આખી દુનિયામાં આતંકવાદ ઘૂસી ગયો છે ત્યારે તેને છાવરનારા દેશોને ખુલ્લા પાડવાની જરૂર છે. આતંકવાદ ફેલાવતા દેશો સામે ભારત લડી રહ્યો છે. આતંકવાદના ખાત્મા માટે ભારતના સૈનિકો અને સુરક્ષા એજન્સીઓએ પ્રસંશનીય કામ કર્યા છે. આ એજન્સીઓમાં પણ બદલાવની જરૂર છે. ભારત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વ્યવસ્થા શરૂ કરશે. આ પદના ગઠન માટે ત્રણેય સેનાઓને ઉચ્ચસ્તર પર પ્રભાવી નેતૃત્વ મળશે. મોદીએ કહ્યું કે બીજી ઓક્ટોબરથી અમે પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા માગીએ છીએ. દુકાનદારો પ્લાસ્ટીકની થેલીમાં ચીજવસ્તુઓ આપવાનું બંધ કરે. લોકો પણ પ્લાસ્ટીકની બેગનો બહિષ્કાર કરે. લોકો ઘરેથી થેલી લઇને ખરીદી કરવા નિકળશે તો પ્લાસ્ટીકનો વપરાશ બંધ થશે. લોકોએ પણ સામે ચાલીને પ્લાસ્ટીકની બેગ લેવાનો ઇન્કાર કરવો જોઇએ. બીજી તરફ ડિજીટલ પેમેન્ટને ઉત્તેજન આપવાનું છે તેથી લોકો રોકડ રકમ ન સ્વિકારે તેવી વ્યવસ્થા કરવાની છે. આજે રોકડા કાલે ઉઘાર એવું બોર્ડ દુકાનોમાં જોવા મળે છે પરંતુ હવે ડિજીટલ પેમેન્ટ સ્વિકારાશે, રોકડા નહીં તેવા બોર્ડ જોઇશે

