ઇડીએ IL&FS કેસમાં રાજ ઠાકરે અને પૂર્વ CM મનોહર જોશીના પુત્રને સમન્સ પાઠવ્યા

મુખ્ય સમાચાર રાજકીય

આઇએલએન્ડએફએસના કથિત પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એમએનએસ પાર્ટીના વડા રાજ ઠાકરે તથા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉનમેશ જોશીને સમન્સ પાઠવ્યા છે. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઉન્મેશ જોશીનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેને 22 ઓગસ્ટના રોજ મુંબઇમાં ઇડીની ઝોનલ ઓફિસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઇડીના આ સમન્સને બદલો લેવાની વૃત્તિથી કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી.એમએનએસના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે લોકસભા ચૂંટણી વખત રાજ ઠાકરેએ જોરદાર પ્રચાર કર્યો હતો. તેમના ભાષણની લોકોના માનસ પર જોરદાર અસર થઇ હતી. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરે વિરૂદ્ધ આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.

કોહીનૂર સીટીએનએલ નામની કંપનીમાં આઇએલએન્ડએફએસ જૂથના 850 કરોડ રૂપિયાના લોન ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં ઠાકરેની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. આ કંપનીના પ્રમોટર ઉન્મેશ જોશી છે અને આ કંપની મુંબઇમાં કોહીનૂર સ્કવેર ટાવરનું નિર્માણ કરી રહી છે.

ઠાકરે અને ઉન્મેશ જોશીએ કેટલીક મિલકતો માટે સંયુક્તપણે બિડ કરી હતી જો કે થોડાક સમય પછી એમએનએસ વડા આ સમજૂતીમાંથી ખસી ગયા હતાં. દેશપાંડેએ વધુમાં જણાવ્યું હતું કે કોહીનૂર સમજૂતી ખૂબ જ જૂની છે અને ઠાકરે આ સમજૂતીમાંથી ઘણા સમય પહેલા જ ખસી ગયા હતાં. સમજૂતીના આટલા વર્ષો પછી તપાસ એજન્સી દ્વારા સમન્સ પાઠવવા પાછળનો અર્થ સમજાતો નથી.

ઉલ્લેખનીય છે કે આઇએલએન્ડએફએસએ કોહીનૂર સીટીએનએલમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું અને તેને આ સમજૂતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ઇડીએ ે ગયા સપ્તાહમાં આઇએલએન્ડએફએસના કથિત ગેરકાયદેસર પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી અને 570 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. મુંબઇની કોર્ટમાં શુક્રવારના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ચાર્જશીટમાં નાણાકીય કટોકટી પેદા કરવામાં ડાયરેક્ટરોની ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ એજન્સીએ પીએમએલએ હેઠળ મિલકતો ટાંચમાં લેવાનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. આ આદેશના સંદર્ભમાં ઇડીએ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બ્રસેલ્સ, બેલ્જિયમમાં સ્થિર મિલકતો અને બંક ખાતાઓ ટાંચમાં લેવામાં આવ્યા હતાં.