વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિદેશ પ્રવાસથી મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પોતાના સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના પરમ મિત્રને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેટલીના નિધન સમયે તેઓ વિદેશમાં હતા જેથી તેમની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપી શક્યા નહતા. પોતાના મિત્રનું નિધન થયું હોવાના સમાચાર સાંભળતા જ તેમણે બહરીનમાં જેટલીને યાદ કરતા કહ્યું હતું કે ‘મારો ખાસ મિત્ર અરુણ ચાલ્યો ગયો…’

વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ જેટલીના ઘરે તેમની તસવીર પર ફૂલ ચઢાવીને તેમના પરિવારને સાંત્વના આપી. મોદી અહીં પહોંચે તે પહેલા ગૃહમંત્રી અમિત શાહ જેટલીના ઘરે પહોંચી ગયા હતા. આ અગાઉ શાહે અરુણ જેટલીના ઘર, ભાજપા મુખ્ય કાર્યાલય અને નિગમબોધ ઘાટ પર પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વડાપ્રધાને જેટલીના કૈલાશ કોલોનીમાં આવેલા ઘરમાં તેમના પત્ની સંગીતા જેટલી, દીકરી સોનાલી જેટલી અને દીકરા રોહન જેટલી સાથે વાતચીત કરી હતી. તેમણે બહરીનથી પણ જેટલીના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. જેટલીના પરિવારે અંતિમ સંસ્કાર વિધિમાં હાજરી નહીં આપવા માટે એક નિવેદન કરતા કહ્યું હતું કે મોદીએ પોતાનો વિદેશ પ્રવાસ અધૂરો છોડીને ભારત પરત ન ફરવું જોઈએ કારણકે, તેઓ દેશના કામ અર્થે વિદેશ ગયા છે તેથી કામ પૂર્ણ કરીને જ પરત ફરવા માટે અપીલ કરી હતી.

મોદીએ બહરીનમાં ભારતીય સમાજના લોકોને સંબોધતા જેટલીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘હું ભલે અહીં તમારી સાથે વાતો કરી રહ્યો છું અને દેશમાં પણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થઈ રહી છે પરંતુ હું મારા મનમાં અત્યંત દુ:ખ દબાવીને બેઠો છું.’ વડાપ્રધાને અત્યંત ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે, ‘જે મિત્ર સાથે સાર્વજનિક જીવન અને રાજકીય યાત્રા પર એક સાથે ચાલ્યો. દરેક ક્ષણે એક-બીજા સાથે જોડાયેલા રહ્યા અને સાથે મળીને દરેક પરિસ્થિતિઓ સામે ઝઝૂમ્યા. સપનાઓને સજાવવા અને સપનાઓને નિભાવવાની યાત્રા જેની સાથે કરી તેવા મારા મિત્રએ આજે પોતાના પ્રાણ ત્યાગી દીધા. હું વિચાર પણ નથી કરી શકતો કે હું અહીં છું અને મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો છે.’