ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની શક્યતા છે, ત્યારે ‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં મજરે આપવી જોઈએ તેવી રજૂઆત જર્ક સમક્ષ થઈ છે. સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ ૮૦ હજાર લાખ યુનિટના વપરાશનાં બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ ૯ પૈસા લેખે આશરે રૂ.૨૫ કરોડ ત્રણ મહિનામાં વસૂલાશે જે પૈકી જાન્યુઆરીના ૮ કરોડ વસૂલી લેવાયા હતા. તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસૂલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી હતી.

