મેક્સિકો-યુએસ સરહદે ડ્રગ ગેંગ વચ્ચે અથડામણઃફાયરિંગમાં ૨૧ના મોત

દેશ-વિદેશ

– વર્ષ ૨૦૦૬ પછી આ સરહદે કરાયેલી કાર્યવાહી અને અથડામણમાં બે લાખના મોત થયા

મેક્સિકો શહેર,તા. 11 જાન્યુઆરી 2019, શુક્રવાર

મેક્સિકન સત્તાવાળાઓએ આજે કહ્યું હતું કે અમેરિકા અને મેક્સિકોની સરહદે ડ્રગની હેરાફેરી કરતી બે ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ૨૧ લોકોના મોત થયા હતા.ટેકસાસના મેકએલાનથી ૨૭૦ કિમી દૂર આવેલા મિગ્યુઅલ અલેમન શહેરનામના સરહદી શહેરમાં આ મુત્યદેહ મળી આવ્યા હતા જેમાં કેટલાકને તો બાળી નાંખ્યા હતા.’અમને સમાચાર મળ્યા હતા કે ગઇ કાલે ડ્રગની હેરફેર કરનાર બે ટોળકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સામસામે કરાયેલી ગોળીબારમાં ૨૧ જણા માર્યા ગયા હતા’એમ તમાઓલિપાસના  પ્રવકતાએ કહ્યું હતું.

‘કેટલાકને તો જીવતા બાળી નાંખ્યા હતા અને સાથે જ સાત જેટલા વાહનોનો પણ ખુરદો બોલાવી દીધો હતો. કેફી દ્રવ્યોની હેરફેર કરનાર બે ટોળકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું’એમ તેમણે કહ્યું હતું. મેક્સિકન સેનાને બાતમી મળતાં તેઓ ઘટના સ્થળે ધસી જતાં મૃત્યુદેહ તેમને મળ્યા હતા. તાજેતરના વર્ષોમાં મેક્સિકોમાં કેફી દ્રવ્યોની ટોળકીઓ દ્વારા કરાતી હેરફેરમાં ફાયરિંગની ઘટનાઓ વધુ બની હતી.

મેક્સિકો દેશમાં તમાઓલિપ્સ શહેર કેફી દ્રવ્યોના ખેપિયાઓ માટે સ્વર્ગ બન્યું છે. અમેરિકા અને મેક્સિકોની સરહદે આવેલા આ શહેરમાં ડ્રગગેંગનું સામ્રાજ્ય ચાલે છે. અવારનવરા અહીંયા ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે. વર્ષ ૨૦૦૬માં દેશની સૌથી શક્તિશાળી ટોળકી સામે કાર્યવાહી કરતાં સરકારી દળોના ગોળીબારમાં બે લાખ કરતાં પણ વધુ લોકો માર્યા ગયેલા.વર્ષ ૨૦૦૭માં ૨૮૭૧૩ લોકો માર્યા ગયેલા.