કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી દિવસ નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી. તેમણે દિલ્હીમાં આયોજિત હિંદી દિવસ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં એક ભાષાની જરૂર છે. આમ કરવાથી વિદેશી ભાષાને દેશમાં સ્થાન નહીં મળે. દેશમાં એક ભાષાને યાદ રાખીને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી. અને તેના માટે હિંદી ભાષાનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી એક ભાષા અંગે આપણે આત્મચિંતન કરવુ જોઈએ. દુનિયાના કેટલાક દેશ એવા છે જેની ભાષા આજે લૂપ્ત થઈ છે. જે દેશ પોતાની ભાષાને છોડે છે. તેનું અસ્તિત્વ રહેતુ નથી. અને તે દેશ પોતાની સંસ્કૃતિને પણ ગુમાવી બેસે છે. અમિત શાહે વધુમાં કહ્યુ કે, નોર્થ-ઈસ્ટના તમામ બાળકોને સ્કૂલમાં હિંદી ભાષા શિખવાડવામાં આવશે. ત્યારે અમિત શાહે હિંદી ભાષા અંગે આપેલા નિવેદન બાદ દક્ષિણ ભારતની રાજકીય પાર્ટીએ તેનો વિરોધ કર્યો છે.
એમ.કે.સ્ટાલિને હિન્દી ભાષાનો કર્યો વિરોધ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી ભાષા અંગે આપેલા નિવેદન બાદ ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને વિરોધ કર્યો છે. સ્ટાલિને જણાવ્યુ હતુ કે, અમે હિંદી ભાષાને થોપવાનો વિરોધ કરી રહ્યા છીએ. અમિત શાહે આપેલા નિવેદનથી ઠેસ પહોંચી છે. એક ભાષાથી દેશની એકતાને અસર થશે. જેથી અમિત શાહે પોતાનું નિવેદન પરત લેવું જોઈએ. સ્ટાલિને વધુમાં જણાવ્યુ કે, દેશમાં એક ભાષાની કોઈ જરૂર નથી. આ મામલે ડીએમકે દ્વારા સોમવારે એક બેઠક બોલાવવામાં આવી છે. અને આ બેઠકમાં હિંદી ભાષાનો મુદ્દે જોર-શોરથી ઉઠાવવામાં આવશે.
હિન્દી એ તમામ ભારતીયની માતૃભાષા નથી : ઓવૈસી
એમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી ભાષા પર આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, હિંદી ભાષા તમામ ભારતીયની માતૃભાષા નથી. બંધારણમાં આર્ટિકલ-29 તમામ ભારતીયને અલગ ભાષા, લિપિ અને સંસ્કૃતિને અધિકાર આપે છે. જેથી આપણો દેશ હિંદી, હિંદુ અને હિદુત્વથી અનેક ગણો મોટો છે. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે અમિત શાહે જણાવ્યુ હતુ કે,ભારતમાં એક ભાષા હોવી જોઈએ. જેથી એક ભાષા અંગે આપણે આત્મચિતન કરવુ જોઈએ.
હિન્દી ભાષાને દક્ષિણના રાજ્યમાં ન થોપો
કર્ણાટકના બેંગાલુરૂમાં હિંદી દિવસનો વિરોધ કરવામાં આવ્યો. કર્ણાટક નવનિર્માણ સેના દ્વારા રેલી કાઢવામાં આવી અને ડિસ્ટ્રિક કમિશનરની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધ પ્રદર્શનમાં કર્ણાટક નવનિર્માણ સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કન્નડ સંગઠનનો આરોપ છે કે, હિંદી ભાષાને દક્ષિણના રાજ્યોમાં થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.