ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે પેથાપુર અને ગાંધીનગર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીને સરકારી નોકરી અપાવવા માતાજીને પૈસા ચઢાવવાને બહાને બે લાખ લીધા હતા. યુવતીની અરજીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં કર્મચારી વિભાગ-૨માં રહેતા મૃણાલીનીબહેન લેઉઆએ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે છેતરપિંડીની અરજી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ૨૩ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ ગાંધીનગર સેક્ટર ૧૨ રંગમંચમાં ધનજી ઓડની ગાદીએ દર્શન કરવા ગયા હતા. જ્યાં ૨૯ ડિસેમ્બરે ધનજી ઓડના જન્મદિવસે મોટુ આયોજન કરાયું હોવાનું જાણવા મલ્યું હતું.
તે દિવસે મૃણાલીનીબહેન તેમની દિકરીને સરકારી નોકરી મળે તે માટે ગયા હતા. જોકે ધનજી ઓડ તો તેમને મળ્યો ન હતો પણ તેમના અનુયાયીએ તમારી અરજ ઢબુડી માતાને કરી દીધી છે અને ૧૧ રવિવાર ભરો. જો જલ્દી નોકરી જોઈતી હોય તો બે કે પાંચ લાખનો માતાનો ચઢાવો કરવો પડશે. બાદમાં મૃણાલીનીબહેન ચાંદખેડામાં ધનજી ઓડના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં ધનજી ઓડે ૨ લાખ કે ૫ લાખનો માતાનો ચઢાવો કરો તો કામ થઈ જશે કહેતા મૃણાલીનીબહેને ૨ લાખનો ચેક આપ્યો હતો. જે બાદમાં ધનજીએ વટાવી લીધો હતો. જોકે તેમની દિકરીને નોકરી ન મળતા તેમણે ધનજી ઓડ વિરૃધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને તપાસની માંગણી કરી છે.