અમદાવાદીઓ આજે રિક્ષામાં મુસાફરી કરતા હોય તો રાહ ના જોતા, નહીં તો તમે પડી શકો છો લેટ

ગુજરાત

ટ્રાફિકના કાયદા પ્રમાણે જંગી દંડની વસૂલાતનો અમલ ૧૬મી સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે ત્યારે રવિવારે અમદાવાદ ખાતે બપોરે ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીની તાકીદની મિટિંગ મળી હતી, જેમાં ૧૬મી સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, ગૃહમંત્રીને મળી ટ્રાફિક ભંગ બદલ રાક્ષસી દંડ નહિ વસૂલવા માટે રજૂઆત કરાશે.

એટલું જ નહિ પરંતુ જો સરકાર નહિ માને તો આંદોલન ઘડી કાઢવાનું પણ નક્કી કરાયું છે, જેમાં સપ્તાહ પછી ૭૨ કલાકની ભૂખ હડતાળ, બ્લેક ડે મનાવવો તેમજ રાજ્યવ્યાપી રિક્ષા હડતાળ પાડવામાં આવશે.

ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર એસોસિયેશનના આગેવાનો કહે છે કે, રાજ્યના બે મંત્રીઓએ સોમવારે બપોરે ગાંધીનગર ખાતે મુલાકાત માટે સમય આપ્યો છે, સરકાર સમક્ષ અમે રજૂઆત કરીશું કે, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોની માફક ટ્રાફિકના ભંગ બદલ જંગી દંડ વસૂલવામાં ન આવે.

ગુજરાતમાં આશરે ૯ લાખથી વધુ ઓટો રિક્ષા આવેલી છે, એકલા અમદાવાદ શહેરમાં જ ૨.૨૦ લાખ ઓટો રિક્ષાઓ આવેલી છે, રિક્ષા ચાલકો માટે પાર્કિંગની મોટી સમસ્યા છે, સરકારે ઈન્ફ્રાસ્ટ્ર્કટર જ ઊભું કર્યું નથી, અમદાવાદમાં માંડ ૨૧ હજાર રિક્ષા પાર્કિંગ માટેની સવલત છે.

આ સંજોગોમાં રોજી રોટી માટે નીકળતાં ડ્રાઈવરો માટે પાર્કિંગના નિયમના ભંગ બદલ ૧૦૦ રૂપિયાની જગ્યાએ પહેલી વાર ૫૦૦ અને બીજી વાર ૫૦૦નો દંડ વધુ પડતો છે. સરકાર પહેલાં રિક્ષા સ્ટેન્ડ-પાર્કિંગ માટેની વ્યવસ્થા તો ઊભી કરે. રિક્ષા ડ્રાઈવરોની કમાણી જ દંડ ભરવામાં જતી રહે તેવી સ્થિતિનું નિર્માણ થશે. પીયુસી માટે પણ કતારો લાગેલી છે. સરકાર સમક્ષ રજૂઆત માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના રિક્ષા એસોસિયેશનના પ્રતિનિધિઓ જોડાવાના છે.

અમદાવાદમાં ૨.૨૦ લાખ રિક્ષા, પાર્કિંગની સવલત માંડ ૨૧ હજારની

રિક્ષા એસોસિયેશનના આગેવાનોનું કહેવું છે કે, અમદાવાદમાં ૨.૨૦ લાખ રિક્ષા છે, માંડ ૨૧ હજાર રિક્ષા માટે જ પાર્કિંગની સવલત છે, એમાંય લારીઓ અને અન્ય વાહનો ઊભા રહે છે, આ સ્થિતિમાં નવા કાયદાનો અમલ વધારે પડતો છે.