પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીરના મુદ્દા સાથે મળ્યા, પરંતુ તેમણે વધુ એક ફટકાનો સામનો કરવો પડયો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અગાઉનું વલણ બદલતા કહ્યું કે કાશ્મીર મુદ્દે તેઓ મધ્યસૃથી માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો તૈયાર હોય તો જ અને ભારતે સ્પષ્ટપણે આ મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસૃથતાનો ઈનકાર કરી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાની બેઠક પૂર્વે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને વધુ એક વખત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. ઈમરાન ખાને કહ્યું વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે અમેરિકાની એ જવાબદારી છે.
કાશ્મીર મુદ્દો ખૂબ જ મોટો બની શકે છે. જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું મધ્યસૃથી માટે તૈયાર છું. હું તેના માટે આતુર પણ છું અને મધ્યસૃથી કરવા સક્ષમ પણ છું. હું ખૂબ જ સારો આર્બિટ્રેટર પણ છું. જોકે, આ ખૂબ જ જટીલ મુદ્દો છે અને તે ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે.
જોકે, બંને પક્ષો તૈયાર હોય તો જ હું મધ્યસૃથી માટે તૈયાર છું. અને ભારતે આ વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસૃથતાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદી સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં એક જ મંચ પર આવ્યાના બીજા દિવસે ટ્રમ્પે ઈમરાન ખાનની હાજરીમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની પ્રશંસા પણ કરી હતી.
તેમણે કહ્યું વડાપ્રધાન મોદી સાથે મારે ખૂબ જ સારા ર્મૈત્રીપૂર્ણ સંબંધો છે. વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ મારે સારા સંબંધો છે. હું સારો આર્બીટ્રેટર પણ છું અને હું આર્બીટ્રેટર તરીકે ક્યારેય નિષ્ફળ પણ નથી ગયો તેમ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળતા કહ્યું હતું.
હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે મેગા રેલીમાં વડાપ્રધાન મોદી કલમ 370 મુદ્દે ખૂબ જ આક્રમક હતા અને ત્યાં હાજર રહેલા લોકો તેમને ખૂબ જ સારી રીતે સાંભળી રહ્યા હતા. મને આશા છે કે ભારત અને પાકિસ્તાન કોઈ રીતે કાશ્મીર વિવાદનો બંને માટે સારો હોય તેવો ઉકેલ શોધી લેશે. ઈમરાન ખાન સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પ પાકિસ્તાની પત્રકારોની મજાક પણ ઉડાવતા રહેતા હતા.
એક પત્રકારે કહ્યું કે અમેરિકાના આટલા સારા પ્રમુખ પહેલી વખત બન્યા છે, આ અંગે ટ્રમ્પે કહ્યું કે તમે એમ માનો છો પરંતુ પાકિસ્તાન અંગે મારું વલણ ઘણું કડક છે. એક પત્રકારે કાશ્મીર અંગે ત્યાં 50 દિવસથી ઈન્ટરનેટ, ફૂડ બધું બંધ છે તેમ કહેતા ટ્રમ્પે ઈમરાન ખાનની સામે જોઈને કહ્યું કે તમે આવા રીપોર્ટર ક્યાંથી લઈ આવો છો? ટ્રમ્પના આ જવાબથી ઈમરાન ખાન ઝાંખા પડી ગયા હતા.
મોદી-ટ્રમ્પના કાર્યક્રમે વિઝનરી નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડયું : અમેરિકન નેતાઓ
હાઉડી મોદીના કાર્યક્રમની અમેરિકન નેતાઓએ ભરપેટ પ્રશંસા કરી હતી. અમેરિકાના ટોચના નેતાઓ- અધિકારીઓએ કાર્યક્રમને ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતીનું પ્રતીક ગણાવ્યો હતો. અમેરિકન મીડિયાએ પણ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને અભૂતપૂર્વ સફળ ગણાવ્યો હતો. હાઉડી મોદી કાર્યક્રમની સફળતાના અમેરિકામાં ઘેરા પડઘા પડયા હતા. ખીંચોખીંચ ભરેલા મેદાનમાં ટ્રમ્પ-મોદીના આ શક્તિપ્રદર્શનની ભારે અસર થઈ હતી.