ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવાશે. કોઈપણ પ્રકારના ભાડા વધારા વગર પ્રવર્તમાન ભાડાએ જ મુસાફરો પોતાના વતન જઈ શકશે. આજથી એટલે કે 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે. તમામ એકસ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસો માટે કાઉન્ટર ઉપરાંત www.gsrtc.in ઉપરથી મુસાફરો ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે.
ગયા વર્ષે 900 બસો દોડાવી હતી
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહારે ગયા વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન સુરત ખાતેથી 900 બસોનું આયોજન કરી 1048 ટ્રીપો થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલું હતું. તે મુજબ આ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી 1200 બસો થકી 1500થી વધુ ટ્રીપોનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે.
સુરતથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતની એકસ્ટ્રા બસો
મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે 22મી થી 27મીની મધ્યરાત્રીના12 કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવનાર છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ વધારાની બસો
સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદથી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટો ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી સંચાલન હાથ ધરવામાં આવનાર છે.
અન્ય વિભાગો પણ બસ દોડાવશે
નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટો માટે 300 વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. જેનો સીધી બસ સેવાનો લાભ મુસાફરો મેળવી શકશે.
