દિવાળી પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે.
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન પહોચ્યું છે. જયારે વથલી, માંગરોળમાં 1 ઈંચ અને વિસાવદરમાં 15મીમી વરસાદ પડયો હતો. જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પડયા હતા. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં બેથીઅઢી ઈંચ વરસાદ પડયો હતો. ગડુ શેરબાગ, સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા, નાની મોટી ધણેજ ગામોમાં વરસાદ પડતા મગફળીના પાથરાને નુકસાન થયું છે. તાલાલા પંથકમાં અર્ધાથી એક ઈંચ વરસાદ પડયો હતો.કેશોદના શેરગઢમાં બે ઈંચ વરસાદ પડયો હતો.
માધવપુર ઘેડમાં એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના માંડવી ના ઉપડેલા પાકમાં નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા ઉભી થઈ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા એક ઈંચ અમરેલી-18, ખાંભા-11, ધારી-5, લીલીયા-4 મીમી, અમરેલીના કેરિયાનાગસમાં દોઢ ઈંચ,ધારીના દલખાણીયામાં ધોધમાર,ચલાલા વરસાદ પડયો હતો. ખોડિયાર મંદિર પાસે વીજળી પડતા એક શ્રામિકને ઇજા થઈ હતી. અમરેલીના પ્રતાપપરામાં કરા સાથે વરસાદ પડયો હતો. સાવરકુંડલા તાલુકામાં વરસાદના કારણે મગફળી પલળી જવા પામી છે. યાર્ડમાં પંદર હજાર મણ કપાસ અને દસ હજાર મણ મગફળીનો સ્ટોક પડયો હોવાથી યાર્ડ સતાધીશો ચિંતામાં મુકાઈ ગયા છે.
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહીનાં પગલે પોરબંદર પંથક માં પણ વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને બપોરથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો ને ઉકળાટ માં રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી કરી હતી.