દિલ્હી પોલીસ કમિશ્નર સામે જ પોલીસ જવાનોએ કિરણ બેદીના નારા લગાવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે.

દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશ્નર અમુલ્ય પટનાયક આવ્યા હતા તો તેમને પણ જવાનોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જવાનોએ તો તેમની સામે જ નારા લગાવ્યા હતા કે, હમારા કમિશ્નર કેસા હો..કિરણ બેદી જેસા હો…

દિલ્હી પોલીસના જવાનો માંગણી કરી રહ્યા છે કે, જે પણ પોલીસ કર્મીઓ પર વકીલોએ હુમલા કર્યા છે તેમની સામે એક્શન લેવામાં આવે.જોકે સિનિયર પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ વિરોધ કરી રહેલા જવાનો પીછેહઠ કરવા માટે તૈયાર નથી.બીજી તરફ જ્યારે કમિશ્નરે તેમને ડ્યુટી પર પરત જવા અપીલ કરી ત્યારે પોલીસ કર્મીઓ વધારે ઉશ્કેરાયા હતા અને તેમણે સુત્રોચ્ચાર શરુ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કિરણ બેદી જ્યારે દિલ્હી પોલીસમાં હતા ત્યારે સબ ઈન્સપેક્ટર નિર્મલ સિંહે પીએમ ઈન્દિરા ગાંધીની ઓફિસની ગાડી ખોટી રીતે પાર્ક કરાઈ હોવાથી ઉઠાવી લીધી હતી.તે વખતે કિરણ બેદી પોતાના નીચેના અધિકારીના બચાવમાં આવી ગયા હતા.

આ પહેલા પટનાયકે પોલીસ કર્મચારીઓને અપીલ કરતા કહ્યુ હતુ કે,આ સ્થિતિને આપણે પરીક્ષાની ઘડી સમજવી જોઈએ .આપણા માટે કાયદો સંભાળવાની જવાબદારી છે.સરકાર અને જનતાને આપણી પાસે અપેક્ષા હોય છે.આપણે કોર્ટના આદેશ પર બનાવેલી તપાસ સમિતિ પર ભરોસો રાખવો પડશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસથી દિલ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ છે.ગઈકાલે પોલીસ કર્મીઓ પર દેખાવ કરી રહેલા વકીલો દ્વારા હુમલો કરાયા હોવાની ઘટનાઓ પણ બની હતી.જેને લઈને આજે પોલીસ કર્મચારીઓ પોતે જ દેખાવો કરવા માટે રસ્તા પર ઉતર્યા છે.