ચીનમાં મોબાઇલ ફોન વાપરવા અંગેનો નવો નિયમ આ રીતે બન્યો છે વિવાદાસ્પદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનમાં હવેથી લોકોને મોબાઇલ નેટવર્ક મેળવતાં પહેલાં પોતાનો ચહેરો સ્કૅન કરવો પડશે. આવું કરીને તંત્ર દેશના લાખો ઇન્ટરનેટ યુઝર્સની ઓળખનો ડેટા એકઠો કરી શકશે.

આ નિયમોની જાહેરાત ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી, જે રવિવારથી લાગુ થઈ જશે.

સરકારનું કહેવું છે કે તે સાઇબરસ્પેસમાં લોકોઅધિકારો અને રુચિની સુરક્ષા કરવા માગે છે.

અહીં નોંધનીય છે કે ચીન પહેલાંથી જ મતગણતરી કરવા માટે ફેશિયલ રિકૉગ્નાઇઝેશન ટેકનૉલૉજી (ચહેરાથી ઓળખ કરનારી ટેકનૉલૉજી)નો ઉપયોગ કરી રહ્યું છે.

ચીન આવી ટેકનિકોમાં વિશ્વમાં સૌથી આગળ છે, જોકે સરકાર દ્વારા આનો કરાઈ રહેલો વધારે પડતો ઉપયોગ વિવાદનું કારણ બન્યો છે.

નિયમ કેવા છે?

કેટલાય દેશોમાં નવો મોબાઇલ કે સિમકાર્ડ ખરીદતી વખતે વ્યક્તિએ પોતાનું ઓળખપત્ર બતાવવું પડે છે.

જોકે, હવે ચીનમાં પોતાની ઓળખ સાબિત કરવા કરવા માટે જે-તે વ્યક્તિએ પોતાનો ચહેરો સ્કૅન કરાવવો પડશે.

ચીન કેટલાંય વર્ષોથી એવા નિયમો લાદવાનો પ્રયાસ કરતું રહ્યું છે કે ઇન્ટનેટનો ઉપયોગ કરનારી વ્યક્તિને પોતાની અસલ ઓળખ આપવી જ પડે.

ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ 2017માં લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર ઇન્ટનેટ પ્લૅટફૉર્મ માટે ઑનલાઇન કન્ટેન્ટ પોસ્ટ કરતાં પહેલાં યુઝરે પોતાની ઓળખની પુષ્ટિ કરવી જરૂરી છે.

ટેલિકૉમ ઑપરેટરો માટે આ નવા નિયમો ઉદ્યોગ તેમજ માહિતી-તકનીકીના મંત્રાલયે તૈયાર કર્યા હતા.

લોકો ફોન થકી પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાને લીધે સરકાર દ્વારા મોબાઇલ ફોન યુઝરની ઓળખ કરી શકાય એ માટે આ નિયમો ઘડવામાં આવ્યા હતા.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ચીનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન કરનારા જૅફરી ડિંગ જણાવે છે કે ચીનનો ઉદ્દેશ સાઇબર-સુરક્ષાને વધાવાનો અને ઇન્ટરનેટની છેતરપિંડી રોકવા માટે અજાણ્યા ફોન નંબરો તેમજ ઇન્ટરનેટ એકાઉન્ટોમાંથી છૂટકારો મેળવવાનો છે.

જોકે, જૅફરી એવું પણ ઉમેરે છે, “આ બાબત તમામ પર નજર રાખવાના પ્રયાસ સાથે પણ સંકળાયેલી છે. સરકારનો આ જ ઉદ્દેશ હોય એવું પણ બની શકે છે.”

લોકોએ ચિંતા કરવી જોઈએ?

સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોની જાહેરાત કરવામાં આવી ત્યારે ચીનના મીડિયાએ આ મામલે ખાસ ધ્યાન આપ્યું નહોતું.

જોકે, કેટલાય સોશિયલ મીડિયા યુઝરોએ મોટા પ્રમાણમાં એમનો ડેટા એકઠો કરી લેવાની આશંકાને પગલે ચિંતા વ્યક્ત કરી હતી.

માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ ‘સીના વીબો’ના એક યુઝરે કહ્યું, “લોકો પર ચુસ્ત નજર રખાઈ રહી છે. ખબર નહીં, એમને કઈ વાતનો ભય છે.”

અન્ય કેટલાય લોકોએ પણ આ મામલે ફરિયાદ કરી હતી કે ચીનમાં કેટલીય વખત ડેટાનું ઉલ્લંઘન થયું છે.

એક યુઝરનું કહેવું છે કે ‘ચોર હવેથી તમારું નામ જણાવતાં પહેલાં એ જાણી લેશે કે તમે કેવા લાગો છો.’ આ પોસ્ટને હજારોની સંખ્યામાં ‘લાઇક’ મળ્યા છે

વધુ એક યુઝરે આ નિયમોની ટીકા કરતાં કહ્યું કે લોકો પાસેથી સહમતી લીધી વિના જ આને લાગુ કરવામાં આવ્યા છે.

જોકે, કેટલાક એવા પણ લોકો છે કે જેને આ મામલે ખાસ વાંધો નથી. તેમનું માનવું છે કે ટેકનૉલૉજી સાથે ચાલવાની આ વાત માત્ર છે.

નોંધનીય છે કે ચીન પહેલાંથી મોટા પ્રમાણમાં ઇન્ટરનેટને સેન્સર કરી રહ્યું છે અને એને લઈને નીતિઓ ઘડતું રહ્યું છે.

ચીનમાં ચહેરાની ઓળખ

ચીનને હંમેશાં એક સર્વેલેન્સ કન્ટ્રી તરીકે જોવામાં આવે છે. વર્ષ 2017માં સમગ્ર દેશમાં 17 કરોડ સીસીટીવી કૅમેરા લગાવાઈ ચૂક્યા છે. સાથે જ વર્ષ 2020 સુધી 40 કરોડ કૅમેરા લગાવવાનું લક્ષ્‍ય છે.

આ ઉપરાંત ચીને એક ‘સોશિયલ ક્રૅડિટ’ સિસ્મટ પણ વિકસાવી રહ્યું છે, જેના થકી ડેટાબેઝમાં પોતાના નાગિરિકાનાં આચરણ અને જાહેર વાતચીતનો હિસાબ રાખી શકાય.

આ સિસ્ટમાં ચહેરાની ઓળખની તકનીક એક વિશેષ ભૂમિકા ભજવે છે અને ફરાર લોકોને પકડવા માટે તેના ઉપયોગનાં વખાણ પણ થાય છે.

ગત વર્ષે એક સમાચાર છપાયા હતા કે પોલીસે આ ટેકનૉલૉજીની મદદથી એક કૉન્સર્ટમાં 60 હજાર લોકોની વચ્ચે એક ફરાર આરોપીને પકડી પાડ્યો હતો.

તાજેતરમાં જ ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના એક અહેવાલ અનુસાર ચીનના પશ્ચિમમાં આવેલા શિનજિયાંગમાં લાખો વીગર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને કેદમાં રાખવામાં આવ્યા છે.

તંત્ર આને પુનર્શિક્ષા ગણાવે છે. અહીં ખાસ કરીને વીગર મુસલમાનો પર નજર રાખવા માટે ચહેરા ઓળખી કાઢતાં કૅમેરા લગાવવામાં આવ્યા છે.

ચીનમાં ચહેરાની ઓળખ હવે રોજિંદા જીવનનો ભાગ બનવા લાગી છે. અહીંની દુકાનો અને સુપરમાર્કેટોમાં ખરીદી કરવા માટે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ પણ થાય છે.

જોકે, આની સામે નુકસાન પણ છે. આ વર્ષની શરૂઆતમાં એક યુનિવર્સિટીના પ્રોફેસરે એક વાઇલ્ડલાઇફ પાર્ક વિરુદ્ધ ચહેરાની ઓળખ ફરજીયાત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

એ બાદ લોકોના ડેટા સંગ્રહ કરવા બદલ સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા શરૂ થઈ હતી.

સપ્ટેમ્બરમાં ચીનની સરકારે કહ્યું હતું કે તેણે ચહેરાની ઓળખની તકનીકના ઉપયોગ પર અંકુશ લગાવવા તેમજ રેગ્યુલેશન માટે એક યોજના બનાવી છે.

સરકારના આ નિવેદન પહેલાં એક રિપોર્ટ જાહેર થયો હતો, જેમાં વિદ્યાર્થીઓની હાજરી અને વર્તન પર નજર રાખવા માટે એક યુનિવર્સિટી આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરી રહી હોવાનો દાવો કરાયો હતો.

જૅફરી ડિંગનું કહેવું છે, “સ્પષ્ટ છે કે ચીનમાં ચહેરાની ઓળખની ટેકનૉલૉજીને લઈને ટીકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જોકે, આવી ટીકા ડેટાની ચોરી, હૅકિંગ અને હેરાનગતિ જેવા મુદ્દાઓની આસપાસ જ રહી છે.”

“પણ ધીમેધીમે લોકો જનતા પર નજર રાખવા માટે ડેટાના ઉપયોગની પણ ચર્ચા કરવા લાગ્યા છે.