લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા રકાસ બાદ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર હજી પોતાના નિર્ણય પર અડગ છે. જેને લઈને મંગળવારે દિલ્હીમાં પોતાના નિવાસ્થાન પર હલચલ વધી ગઈ છે. સવારથી જ મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ મનાવ્યા બાદ હવે ખુદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ભાઈને મનાવવા પહોંચ્યા છે. હાલ તેમના નિવાસસ્થાને પ્રિયંકા ઉપરાંત રણદીપ સુરજેવાલા, અહમદ પટેલ, સચિન પાયલટ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર છે.મીડિયા અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધી કેટલીક શરતો સાથે રાજીનામું પાછુ ખેંચવા રાજી થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ આજે સાંજે પોતાના ઘર પર વરિષ્ઠ પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. સોમવારે સવારથી જ કેટલાક નેતાઓએ તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ કોઈને પણ મળવાનો ઈનકાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીના રાજીનામાને લઈને ભ્રમની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે સીડબ્લ્યૂસી કે પાર્ટીના સીનીયર નેતાઓની બેઠક પણ આ સપ્તાહે થઈ શકે છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એવા પણ અહેવાલ છે કે, રાહુલ ગાંધી આગામી બે દિવસ માટે વાયનાડના પ્રવાસે જઈ શકે છે. અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજય બાદ તેમનો વાયનાડનો પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જોકે સૂત્રોનું કહેવું છે કે, સીડબ્લ્યૂસીએ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વિકાર્યું નથી. સાથે જ પાર્ટીમાં મોટા પાયે ફેરફાર કરવાની છૂટ પણ સીડબ્લ્યૂસીએ રાહુલ ગાંધીને આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે, આ મામલે પાર્ટીના બંધારણમાં પણ પર્યાપ્ત ફેરફાર કરવામાં આવી શકે છે.

